1.2.6 - સદગુરુની સાન / સતી લોયણ


જી રે લાખા સદગુરુની સાન બહુ સુખ આપે જી,
આપણાં મન તે સ્થિર કરી સ્થાપે હાં...
જી રે લાખા એ રે સાનથી કોઈ બા’ર ન જાવે જી,
પછી પવનને કેમ ઉથાપે હાં...

જી રે લાખા શોક ટાળીને આનંદ ઉપજાવે જી,
નુરત-સુરત બેહદ આવે હાં...
જી રે લાખા અનુભવી ગુરુની ઓળખાણ આવે જી,
એ તો અખંડ ઘરમાં આવે હાં...

જી રે લાખા અનુભવી ગુરુની ઓળખાણ કરાવે જી,
એ તો સાક્ષીપદને પ્રમાણે હાં...
જી રે લાખા બોધ કરી જીવ શિવપણું ટાળે જી,
એનો સાક્ષી બ્રહ્મ ગણાવે હાં...

જી રે લાખા જ્યોતિ સ્વરૂપ આપણી સુરતામાં જી,
મુક્તિ ભરે જ્યાં પાણી હાં...
જી રે લાખા પંડિત પુરાણી જ્યાં અટકી રહ્યા છે જી,
ત્યાં નવ પહોંચે વેદની વાણી હાં...

જી રે લાખા અકર્તાપણું આપણાં ઉરમાં દેખાડે જી,
એ તો ઝીણી રમતું રમાડે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો પાંચ પચીસને લઈ પડે હાં...


0 comments


Leave comment