1.2.8 - ગુરુવચનનો મહિમા / સતી લોયણ


જી રે લાખા હરિ ભજવા હોય તો મિથ્યાપણું મેલો જી,
આ અવસર આવ્યો છે છેલ્લો હાં...
જી રે લાખા ભવસાગર તરવાનું આ છે ટાણું જી,
તમે 'હું’ ને મારું ઠેલો હાં...

જી રે લાખા નામરૂપ જાણે નિશ્વે ખોટાં જી,
તમે એથી રહેજો અળગા હાં...
જી રે લાખા ત્રિગુણી માયાથી જગત બંધાણું જી,
તમે એ રે માયાને શીદ વળગ્યાં હાં...

જી રે લાખા ત્રિવિધ તાપથી જગત બળે છે જી,
તેનો ડાઘ તમને નહીં લાગે હાં...
જી રે લાખા સદગુરુના હુકમે તમે ચાલો જી,
તેથી મોહ માયાનું બળ ભાંગે હાં.

જી રે લાખા અનભે થવું હોય તો એ પદ પાળો જી,
તો બહાર - ભીતર બ્રહ્મ ભાળો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે ગુરુવચન આપ્યું પાળો હાં...


0 comments


Leave comment