1.2.10 - માન મૂકીને આવો મેદાનમાં / સતી લોયણ


જી રે લાખા માન મૂકીને આવો મેદાનમાં,
તમે ગુરુચરણે શીશ નમાવો હાં...
જી રે લાખા શેઠપણું તમે કોરે કરીને જી,
તમે સંકલ્પવિકલ્પને સમાવો હાં...

જી રે લાખા સદગુરુના વચનથી કરો ઓળખાણું જી,
તે વિના પાર નહિ આવે હાં...
જી રે લાખા ભવસાગરમાં મત બહુ ઝાઝા જી,
એ મતની બુદ્ધિને સમાવો હાં...

જી રે લાખા સદગુરુના આપણે વેચ્યા વેંચાયે જી,
આપણે મનનું ડા' પણ પરહરિયે હાં...
જી રે લાખા ગુરુને પૂછીને પૃથ્વી પગ ધરિયે જી,
એના વચનમાં આપણે રહીએ હાં...

જી રે લાખા સદગુરુના ઘરની અગમ છે રમત જી,
એ તો અધૂરિયાને નવ કહીએ હાં...
જી રે લાખા વિવેકવૃત્તિમાં આપણે હરદમ રે’વું જી,
ગુરુ હુકમ કરે તેમ કરવું હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આપણે ગુરુચરણે ચિત્ત ધરવું હાં...


0 comments


Leave comment