1.2.14 - માંડ કરીને મળ્યો મનુષ્યદેહ / સતી લોયણ


જી રે લાખા માંડ કરીને મનુષ્યદેહ મળ્યો જી,
તેને ગુરુગમ વિના કાં ખોવો હાં...
જી રે લાખા જાણ્યા જેવો આ વખત મળ્યો છે જી,
તમે અજ્ઞાનમાંથી જાગી જુઓ હાં...

જી રે લાખા આ અવસર જાય છે ભક્તિનો જી,
માટે સતગુરુની સમશ્યામાં સમજો હાં...
જી રે લાખ મોહને અંતરમાંથી કોરે મૂકીને જી,
તમે દેહ ઇન્દ્રિયોને દમજો હાં...

જી રે લાખા સતગુરુ-વચને સાધન સાધો જી,
તમે મનને મૂળે લઈ બાંધો હાં...
જી રે લાખા નૂગરાં માણસનો સંગ તજીને જી,
અજપામાં સુરતાને સાધો હાં...

જી રે લાખા ઓછા ને હલકા મુખથી વહેલાં જી,
એનો સંગ કદી નવ કરશો. હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે સતગુરુ-વચન ઉર ધરજો હાં...


0 comments


Leave comment