1.3.1 - એવા જનને વાત ન કહીએ / સતી લોયણ


જી રે લાખા કૂડિયા કપટી લોભી ને લાલચુ જી,
એવા જનને આ વાત ન કહીએ હાં...
જી રે લાખા ગુપ્તમાં ગુપ્ત ભેદ તમને બતાવ્યો જી,
એની ઓછાંને વણજ્યું ન કરીએ હાં...

જી રે લાખા ધીરજ હોય જેને ધરતીના જેવી જી,
એને ઓછાપણું નવ આવે હાં...
જી રે લાખા એવાની પાસે આવી વાત કહીએ જી,
એ તો સહેજે શૂન્યમાં મિલાવે હાં...

જી રે લાખા અનુભવમાં જેનું ચિત્ત લલચાયે જી,
એ તો વચને ચાલે છે સાચે હાં...
જી રે લાખા અનુભવમાં જેનું મન ગળીયું જી,
એ તો કોઈ દિ’ ન રમે રંગ કાચો હાં...

જી રે લાખા આઠે પહોર જેને લાગે ખુમારી જી,
એવાં નરનારી વા’ણે (વહાણે) ચડશે હાં...
જી રે લાખા શેલર્ષીની શૈલી સતી લોયણ બોલ્યાં જી,
પાછાં ભવસાગરમાં ન પડશે હાં...


0 comments


Leave comment