1.3.2 - મનની સ્થિરતા / સતી લોયણ


જી રે લાખા સમશ્યામાંથી બહુ સુખ આપે જી,
તેમાં મનને સ્થિર કરી સ્થાપો હાં...
જી રે લાખા સમશ્યામાંથી બહાર નવ જાએ જી,
પછી પવનને કેમ ઉથાપો હાં...

જી રે લાખા શોક ટાળીને આનંદ ઉપજાવે જી,
નુરત-સુરતને બેહદ લાવે હાં...
જી રે લાખા હદ - બેહદને ઓળંગી કરીને જી,
એ અખંડ ઘરમાં ખેલાવે હાં...

જી રે લાખા અનુભવની ઓળખાણ કરાવે જી,
પછી એ રસને ચખાડે હાં...
જી રે લાખા બોધ કરીને જીવપણું તે મટાડે જી,
એ તો સાક્ષાત્ બ્રહ્મ બનાવે હાં...

જી રે લાખા જ્યોતિરૂપે વૃત્તિને બતાવે જી,
ત્યાં મુક્તિ ભરે છે પાણી હાં...
જી રે લાખા પંડિત પુરાણી ત્યાં અટકી રહ્યા છે જી,
નવ પહોંચે ત્યાં વેદ ને વાણી હાં...

જી રે લાખા અકર્તાપણું એ તો આપે જ ભાળે જી,
ઝીણી ઝીણી રમતો દેખાડે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પાંચ પચીસને લઈને પાડે હાં...


0 comments


Leave comment