1.3.3 - મનની ભ્રાંતિ ભાંગો / સતી લોયણ


જી રે લાખા ધરમ કરી તમે ધણીપણું મેલો જી,
તમે ગુરુચરણે ચિત્ત ધરો હાં...
જી રે લાખા તમે વચનના બોલ બુદ્ધિમાં લ્યોને જી,
તમે જીતી બાજી કાં હારી હાં...
જી રે લાખા પુણ્ય ને પાપનો દોષ નહીં લાગે જી,
જો મનની ભ્રાંતિ ભાંગો હાં....
જી રે લાખા ત્યારે તમારા સંશય ટળશે જી
પછી સુતા નિદ્રામાંથી જાગો હાં....
જી રે લાખા નાદ બૂંદના જ્યાં નેડા ન મળે જી,
એ દેશમાં તમે આવો હાં....
જી રે લાખા કૂડકપટ તમે કોરે મૂકોને જી,
તમે મનને એકાગ્ર લાવો હાં....
જી રે લાખા એવી રીતે તમે વચનમાં વર્તો જી,
તો ફરી જન્મ નહીં આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે તેજમાં તેજ સમાઓ હાં...


0 comments


Leave comment