1.3.4 - જીવના પ્રકાર / સતી લોયણ


જી રે લાખા દૈવી - આસુરી બે પ્રકારના જીવ છે જી,
તેના જૂજવા ભેદ કરી આપું હાં...
જી રે લાખા એકાગ્ર ચિત્ત કરી તમે સાંભળો જી,
તમને દૃઢ વાત સ્થિર કરી આપું હાં...

જી રે લાખા સતગુરુ-સેવાને મોક્ષના મેવા જી,
એને ચરણે શીશ નમાવે હાં....
જી રે લાખા આસુરી જીવો છે આવરણ ભરેલા જી,
પોતે ભરમાઈ બીજાને ભરમાવે હાં...

જી રે લાખા આસુરીનો સંગ કદી નવ ગોઠે જી,
એ તો મોટા પુરુષની નિંદા કરશે હાં...
જી રે લાખા દૈવી હશે તો ભવસાગર તરશે જી,
અને આસુરી ચોરાશીમાં પડશે હાં...

જી રે લાખા સમજુ માણસે સંશય નવ કરવો જી,
આસુરી નરકમાં પડશે હાં...
જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
દૈવી તેજ થઈ તેજમાં ભળશે હાં...


0 comments


Leave comment