1.4.1 - નિર્ગુણમાં સુરતા ઠેરાવો / સતી લોયણ


જી રે લાખા પાકા થઈને આવો ઉન્મુનિમાં જી,
તમે નિર્ગુણમાં સુરતા ઠેરાવો હાં...
જી રે લાખો તમને બમણો તેમાં લાભ મળશે જી,
અભ્યાસનો હરખ ઉરે લાવો હાં...

જી રે લાખા નાદને નિરંતર શ્વાસે સમાવો જી,
એ રીતે એક ઘરમાં આવો હાં...
જી રે લાખા જગત અટકાવે નહિ ત્રણ કાળમાં જી,
એવું ધ્યાન ધણીમાં લગાવો હાં...

જી રે લાખા પ્રાણ અપાનની ગાંઠ જ્યાં તૂટે જી,
ત્યારે પછી ગગનમાં ચઢાવો હાં...
જી રે લાખા નુરત-સુરત ખેલ નજરે નિહાળો જી,
સીધે મારગ પવન ચલાવો હાં...

જી રે લાખા અટપટો ખેલ ખાંડાની ધાર છે જી ,
રખે જાણીને દેતા મૂકી હાં...
જી રે લાખા સુખ બીજું નથી કોઈ એવું જી,
મૂકી દીધે કમાણી જશો ચૂકી હાં...

જી રે લાખા શૂન્ય-મંડળમાં ગેબી રમે છે જી,
તેને ગુરુગમથી તમે ન્યાળો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે સાચી રહેણીને પાળો હાં...


0 comments


Leave comment