1.5.1 - ભક્તિ વિના સંશય નહિ ભાગે / સતી લોયણ


જી રે લાખા શ્રીમદ્ ભાગવતમાં એમ લખ્યું છે જી,
ભક્તિ વિના સંશય નહિ ભાગે હાં...
જી રે લાખા દશમી ભક્તિમાં પ્રેમ જગાડો જી,
ત્યારે શૂન્યમાં સુરતા લાગે હાં...

જી રે લાખા દેવહુતિને કપિલમુનિએ અભ્યાસ કરાવ્યો જી,
ત્યારે જ્ઞાન-હિમાળે મન ગળિયું હાં...
જી રે લાખા પાન-અપાનની ગતિ જ્યારે સમજાણી જી,
ત્યારે મન બ્રહ્મપદમાં ભળિયું હાં...

જી રે લાખા ગુરુ વિના સાધના એકે આવે નહીં જી,
ભલે ભણીભણીને ભટકે હાં...
જી રે લાખા યોગ યુક્તિ ગુરુ વિના કોઈ ન જાણે જી,
વૃથા વાંચી વાંચી જન્મ ગુમાવે હાં...

જી રે લાખા મૈત્રી ઋષિએ વિદુરને યોગ બતાવ્યો જી,
એકાંતમાં અભ્યાસ કીધો હાં...
જી રે લાખા શ્વાસ ખેંચી સમાધિ ચડાવી જી,
એને લક્ષ-અલક્ષ ના લીધો હાં...

જી રે લાખા શુકદેવ ને જનક બેઉ ભેટ્યા જી,
પરિપૂર્ણ બોધ એને દીધો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ગુરુએ પોતાના જેવો કીધો હાં...


0 comments


Leave comment