1.5.2 - નવધાભક્તિ / સતી લોયણ


જી રે લાખ નવધા ભક્તિને જો કોઈ સાધે જી,
એ અલખ પુરુષને આરાધે હાં...
જી રે લાખ દોડે છે મન તેને કબજે કરીને જી,
નિજ નામને બેઠો, સાધે હાં...
જી રે લાખા ખાંડાની ધારે નરનારી ખેલે જી,
તે દુરીજનની બીક નવ રાખે હાં...
જી રે લાખા ગુરુવચને સત વસ્તુને જાણે જી,
એ તો ગુપ્ત રસને ચાખે હાં...
જી રે લાખા પૂરેપૂરા જ્યારે થાય અધિકારી જી,
એને લક્ષાર્થ ઉરમાં આવે હાં...
જી રે લાખા નાભિ કમળથી પવન ઉલટાવે જી,
ત્યારે સુરતા શિખર પર જાવે હાં...
જી રે લાખા એવી સુરતા જ્યારે તમારી પ્રગટશે જી,
ત્યારે સંકલ્પવિકલ્પ મટી જાશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે સુરતા એકાગ્ર થાશે હાં....


0 comments


Leave comment