1.5.3 - મૂળ વચનનો મહિમા / સતી લોયણ


જી રે લાખા મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી,
એને સંત જ વિરલા જાણે હાં...
જી રે લાખા વચન થકી જે કોઈ હોય અધૂરા જી,
તે તો પ્રેમરસને શું માણે હાં ?....

જી રે લાખા વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી,
એ વચનથી પૃથ્વી ઠેરાણી હાં...
જી રે લાખા ચૌદ લોકમાં તો વચન રમે છે જી,
તેને જાણે પુરુષ પુરાણી હાં....

જી રે લાખા એવા રે વચનની જેને પ્રતીતિ આવે જી,
એ તો કદી ચોરાસી ના જાવે હાં...
જી રે લાખા વચનના કબજામાં જે કોઈ વર્તે જી,
એની સુરતા શૂન્યમાં સમાવે હાં.

જી રે લાખા એ રે વચન શિરને માટે જી,
એ ઓછા માણસને ના કહેવું હાં...
જી રે લાખા સદ્દગુરુ આગળ શીશ નમાવીએ જી,
એના હુકમમાં હંમેશ રહેવું હાં...

જી રે લાખા આદિ ને અનાદિમાં વચન છે મોટું જી,
એને જાણે વિવેકી પૂરા હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એને નેણે વરસે નૂર હાં...


0 comments


Leave comment