1.5.4 - બ્રહ્મમાં ભળવું હોય તો / સતી લોયણ


જી રે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી,
તમે મનના પ્રપંચ મેલો હાં...
જી રે લાખા નુરત-સુરતથી કરી લ્યો મેળા જી,
તમે ફળ કંઈ નવ માગો હાં...

જી રે લાખા તૃણ બરાબર જગતની માયા જી,
એને જાણજે મનથી જૂઠી હાં...
જી રે લાખા કાળ ઝડપ લઈને ઝડપી જાશે જી,
ત્યારે જીવ જશે જોને ઊડી હાં...

જી રે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી,
ત્યારે મનની ભ્રાંતિ ભાગી પડશે હાં...
જી રે લાખા સંકલ્પવિકલ્પની ગાંઠું બંધાણી જી,
એ તો ગુરુવચનથી ગળશે હાં...

જી રે લાખા હાર ન પામો તમે હિંમત રાખો જી,
એવા ગુરવચન-રસ ચાખો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે મુખથી અસત્ય નવ ભાખો હાં...


0 comments


Leave comment