1.5.5 - આઠે પહોર રહો મસ્તાના / સતી લોયણ


જી રે લાખા હામને સાધીને તમે દેદાર કરો ને જી,
આઠ પહોર રહો મસ્તાના હાં...
જી રે લાખા હરિની માયા કદીયે નવ લોપે જી,
જ્યાં લગી ગૈ ભ્રમરમાં ભાણા હાં...

જી રે લાખા અવનવા ખેલ આ નગરમાં દેખો જી,
બાવન બજાર ચોરાશી ચૌટા હાં...
જી રે લાખા દ્વાદશ ઉપર ચઢીને દેખો તમાસા જી,
એવી શહેરની શોભા ને ચૌટા હાં...

જી રે લાખા નખશિખ લગી નજર નિહાળો જી,
આઠે પહોર શહેરમાં રહીને હાં...
જી રે લાખા દ્વાદશ ઉપર ચઢીને દેખો જી,
પછી ગગનમંડળમાં જઈને હાં...

જી રે લાખા વિના વાદળીએ મેઘ ત્યાં વરસે જી,
ત્યાં ઝીણીઝીણી વીજળી ચમકે હાં....
જી રે લાખા એવી શોભા બીજી કોણ ન્યાળે જી,
એ તો ગુરુકૃપા થયે ચમકે હાં...

જી રે લાખા યોગી પુરૂષ રેખા રસને માણે જી,
સમજી અનુભવ ઉરમાં આાણે હાં...
જી રે લાખા બ્રહ્મનું હાર્દ ઊંડામાં છે ઊંડું જી,
કોઈ વિરલાને ભોગે એ પામે હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
બીજા ભટકી દુ:ખ પામે હાં...


0 comments


Leave comment