1.5.6 - ભક્તિયોગ / સતી લોયણ


જી રે લાખા બારમા અધ્યાયમાં ભક્તિયોગ લખ્યો જી,
તેમાં અણસમજુ મત તાણે હાં...
જી રે લાખા એક યોગ ને બીજો ભક્તિ ગણાવે જી,
તેમ એકબીજાના વાદ તાણે હાં...

જી રે લાખા યોગ ને ભક્તિમાં જુદાપણું ન મળે જી,
એ સુખ પૂરાં ગુરથી આવે હાં...
જી રે લાખા યોગ ને ભક્તિની એ જુક્તિ જણાવે જી,
એ તો અધિકારી સેવકને ભણાવે હાં...

જી રે લાખા યોગ વિનાની ભક્તિ કેવી છે જી,
જેવી પુરુષ વિનાની નારી હાં...
જી રે લાખા પુરુષ વિના સ્ત્રી ને સ્ત્રી વિના પુરુષ નહિ જી,
તેમ અનુભવ જુવે વિચારી હાં...

જી રે લાખા યોગને ભક્તિ ગુરુએ એક જણાવ્યાં જી,
ત્યારે ભ્રાંતિ અર્જુનની ભાંગી હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પછી સુરતા-અભ્યાસમાં લાગી હાં...


0 comments


Leave comment