1.5.7 - સમદર્શીપણું / સતી લોયણ


જી રે લાખા સમદશીં થઈ તમે સુરતા સમાવો જી,
નાદ બુંદને એક ઘેર લાવો હાં...
જી રે લાખા નિત્ય અદકા થાઓ અભ્યાસી જી,
સાન સદ્ગુરુની ઉરમાં લાવો હાં...

જી રે લાખા ભાન દેહનું ભૂલી તમે જાશો જી,
ત્યારે એકતાનાં દર્શન થાશે હાં...
જી રે લાખા લક્ષ અલક્ષ ઓળખાશે જી,
ત્યારે મન જઈ રૂપમાં સમાશે હાં...

જી રે લાખા નિર્વાણપદમાં મોજ છે મોટી જી,
પછી લાગે બધી વાત ખોટી હાં...
જી રે લાખા જગતની ખટપટ તમને નહીં ગોઠે જી ,
ત્યારે બુદ્ધિ રહેશે ત્યાં લોટી હાં...

જી રે લાખા ઊલટા પવનને ફેર ઉલટાવે જી,
તો અદ્દભુત ખેલ નજરે આવે હાં...
જી રે લાખા મનનો પ્રપંચ ફર જાવે જી,
વૃત્તિ એનું નામ મટી જાવે હાં...

જી રે લાખા એવા પરિબ્રહ્મને તમે જોશો જી,
ત્યારે અંતરની આપદા ટળશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
સુરતા નિર્વાણપદમાં મળશે હાં...


0 comments


Leave comment