1.6.1 - યોગ-અભ્યાસી થાવું / સતી લોયણ


જી રે લાખા યોગ-અભ્યાસી થાવું તમારે જી,
તો સુરતા ગગનમાં વાળો હાં...
જી રે લાખા શ્વાસ-ઉચ્છવાસને એક કરીને જી,
તમે ભીતરની ભ્રમણા ભાંગો હાં...

જી રે લાખા આઠે પહોર તમે રહો અભ્યાસી જી,
તેથી મનનો ઉદ્વેગ બધો છૂટે હાં...
જી રે લાખા હાણ - લાભનાં દુ:ખ કે સુખ ન મળે જી,
જેથી માયાનો પાશલો તૂટે હાં...

જી રે લાખા અખંડ ધ્યાનમાં લાગે સમાધિ જી,
એ તો બ્રહ્મ ભેગા થઈ ભળિયા હાં...
જી રે લાખા અધ્ધર તખ્ત પર આપે બિરાજે જી,
ત્યાં અનેક સંતો જઈ મળિયા હાં...

જી રે લાખા એકચિત્તે તમે ધ્યાન ધરોને જી,
તો બ્રહ્મદશા થઈ જાશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પછી મનનો મેલ બધો જાશે હાં...


0 comments


Leave comment