1.6.3 - યોગના પ્રકારો / સતી લોયણ


જી રે લાખા આત્માને પામવાનો બીજો મારગ છે જી,
તેને યોગ કહે છે યોગી હાં...
જી રે લાખા યોગના રસ્તા પણ બે જ ગણ્યા છે જી,
રાજયોગ ને હઠયોગ હાં...

જી રે લાખા ધીરે ધીરે કરી દેહને શોધો જી,
તો અનુભવે આત્માને જાણો હાં...
જી રે લાખા પંચભૂત ને ત્રિગુણી માયા જી,
પંચ કોષ ને પંચ પ્રાણે હાં...

જી રે લાખા સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ જી,
એવાં દેહ તણાં દીધાં છે નામો હાં...
જી રે લાખા તેમાં વસે છે આતમ અવિનાશી જી,
નથી રૂપ કે નથી તેને નામો હાં...

જી રે લાખા જ્ઞાન-ઇન્દ્રિયો ને કર્મ-ઇન્દ્રિયો જી,
એથી આત્મા રહે છે ન્યારો હાં...
જી રે લાખા વરણ-જાતિ, ત્રણ અવસ્થા ન મળે જી,
એ તો માયાથી દીસે છે બા’રો હાં...

જી રે લાખા હાડ, ચામ, રસ, લોહી, મળ, મૂત્ર જી,
એ તો સ્થળ દેહને ન વળગે હાં...
જી રે લાખા કર્તા, ભોક્તાપણું આત્માને ન મળે જી,
તે તો સદાયે રહે છે અળગો હાં...

જી રે લાખા ઊંચ-નીચ કે નથી નર-નારી જી,
જન્મ-મરણ તેને નવ થાયે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો સાક્ષી સ્વરૂપે સદાયે હાં...


0 comments


Leave comment