1.6.4 - ષટ્ચક્ર-ભેદન / સતી લોયણ


જી રે લાખા ગુપ્તમાં ગુપ્ત ઊડામાં ઊંડું જી,
તેને જ્ઞાન બતાવ્યું મેં સારું હાં....
જી રે લાખા પૂરક, કુંભક ને રેચક કરીએ જી,
પ્રાણવાયુ એમ ચલાવું હાં....

જી રે લાખા કુંડલી ત્યારે નાભિમાં જાણે જી,
પાન અપાનને મિલાવે હાં...
જી રે લાખા બંધ ત્યાં ત્રણ બંધાઈ રહે છે જી,
મૂળ ઉડ્ડીઆ જલંધર ફાવે હાં...

જી રે લાખા ગુદ, નાભિ, કંઠ એ ક્રમે રહે છે જી,
એ અનુભવ થકી આચરવું હાં...
જી રે લાખા ખટ ચક્ર ભેદે પ્રાણવાયુ જી,
તેનાં નામ તને સમજાવું હાં...

જી રે લાખા મૂલાધાર, સ્વાધિષ્ઠાન છે બીજું જી,
ત્રીજું મણિપૂરક ગણાવું હાં...
જી રે લાખા ચોથું અનાહત, પાંચમું ભારતી જી,
છઠ્ઠું ભ્રકુટિ મધ્યે બતાવું હાં...

જી રે લાખા તેનાં ઠેકાણાં તને કહી દઉં છું જી,
તેને સાધીને તું તરશે હાં...
જી રે લાખા હું કહું તેમ ક્રિયા બધી કરવી જી,
તેથી માર્ગ બધા તને મળશે હાં...

જી રે લાખા મૂળ, લિંગ, નાભી, હૃદય, કંઠ, ભ્રકુટી જી,
એ સ્થળેથી પ્રાણ જ ચડશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પ્રાણ આત્મસ્વરૂપમાં ભળશે હાં...


0 comments


Leave comment