1.6.5 - આસન સાધો / સતી લોયણ


જી રે લાખા સંભળાવું ત્યાગી તમે ભજન કરો જી,
એકાંત બેસીને આસન સાધો હાં...
જી રે લાખા ત્રાટકમુદ્રામાં તમે ચિત્ત લગાવો જી,
તમે સંકલ્પવિકલ્પ બાંધો હાં...

જી રે લાખા ષટ માસ કોઈની સંગે નવ બોલો જી,
તમે પદારથ ભાવ પડતાં મેલો હાં...
જી રે લાખા હું રે રાજા ને ઓ છે મારી રાણી જી,
સાધના કરવી હોય તો અહંભાવ ઠેલો હાં...

જી રે લાખા નિ:શંક થઈને તમે રહો એકાંત જી,
તો સારપણું ઉરમાં આવે હાં...
જી રે લાખા નુરત સુરત ત્રાટક સાધતા જી,
ત્યારે ચક્ષુ બદલાઈ જાવે હાં...

જી રે લાખા પવન ઉલટાવી દ્વાર જ ખોલો જી,
એ તો યોગમુદ્રા ઘટ પાવે હાં...
જી રે લાખા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા જી,
ત્યારે તુરિયામાં તાર મિલાવે હાં...

જી રે લાખા આઠો પહોર રહો અખંડ ઘરમાં જી,
જી રે માયા નિકટ નહિ આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો કાળ કદી નિકટ નવ આવે હાં...


0 comments


Leave comment