1.6.6 - બે પ્રકારની સમાધિ / સતી લોયણ


જી રે લાખા બે રે પ્રકારની સમાધિ કહી છે જી,
એની જુક્તિ જાણે કોઈ યોગી હાં...
જી રે લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભાળવું જી,
તો થાવ બ્રહ્મરસભોગી હાં...

જી રે લાખા અજપા-સમાધિ પવન નાભિમાં સમાવે જી,
સુરતા જ્યોત લાગી જાવે હાં...
જી રે લાખા મેલ મેલીને થાવ તમે નિર્મળ જી,
નૂર નિરંતર નજરે આવે હાં...

જી રે લાખા બીજીએ સમાધિ પંચમ પડદો ખોલે જી,
બંકનાળે પવન ચડાવે હાં...
જી રે લાખા ષટ ચક્ર જીતી દ્વાદશ પર જાવે જી,
એ તો શૂન્ય સમાધિ કહાવે હાં...

જી રે લાખા શૂન્ય સમાધિમાં ગુરુ કૂંચી બતાવે જી,
તો જનમમરણ મીટ જાવે હાં...
જી રે લાખા જ્યોત જાગે તો વ્યાપે જેને માયા જી,
તેને જનમ ફરીને આવે હાં...

જી રે લાખા શૂન્ય રે સમાધિમાં તમે સુરતા લગાવો જી,
તો એ ઘરમાં તમે આવો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો ફરી ચોરાશીમાં ના’વો હાં...


0 comments


Leave comment