1.6.7 - અષ્ટાંગ યોગ / સતી લોયણ


જી રે લાખા યોગનો મારગ છે બીજો હઠયોગ જી,
એ તો કઠણ સાધનવાળો કહીએ હાં...
જી રે લાખા અષ્ટાંગ યોગ તેને તે કહું છું જી,
તેનાં સાધન ચિત્તમાં ધરીએ હાં...

જી રે લાખા યમ, નિયમ ને ત્રીજું આસન જી,
ચોથે પ્રાણાયામ ચલાવે હાં...
જી રે લાખા પાંચમો પ્રત્યાહાર, ધારણા છઠ્ઠી જી,
સાતમે ધ્યાન લગાવે હાં...

જી રે લાખા આઠમું સાધન ચડે જ્યાં સમાધિ જી,
ત્યાં આાતમરામને જોવા હાં...
જી રે લાખા સાધન કોઈ દિ' જાતે નવ કરવાં જી,
ગુરુ ગમથી ખોળી લેવાં હાં...

જી રે લાખા ગુરુ કૃપાથી તે સાધ્ય જ થાશે જી,
તેને પૂરણ કહીએ સેવા હાં...
જી રે લાખા સમાધિ કરવામાં કુંડળી જગાડે જી,
એ તો સહજ સમાધિ લેવા હાં...

જી રે લાખા એકેક સાધન સિદ્ધ કરીને જી,
બીજે જવા હોંશ ધરશો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો ભવસાગર સહેજે તરશો હાં...


0 comments


Leave comment