1.6.8 - શૂન્યમાં સુરતા / સતી લોયણ


જી રે લાખા ધ્યાન પ્રાણાયામમાં ગુરુગમ રાખો જી,
જેની ચંચળ વૃત્તિ સ્થિર થઈ જાવે હાં...
જી રે લાખા અવિગત અગમ અગોચર પોતે જી,
નુરતે સુરતે જોવામાં એ આવે હાં...

જી રે લાખા ચિત્ત સંવેદ એને નવ વ્યાપે જી,
જેને મળિયા અખંડ અજિત રાયા હાં...
જી રે લાખા સુરતા જેની ચઢી છે શૂન્યમાં જી,
જ્યાં મોહ નથી તેમ નથી માયા હાં...

જી રે લાખા કામ્ય, કર્મનો તેને લેશ નવ લાગે જી,
જેમ સિંહથી શિયાળવાં ભાગે હાં...
જી રે લાખા યોગસાધનાથી તિમિર સહુ નાસે જી,
જ્યારે યથારથ સુરતા લાગે હાં...

જી રે લાખા અખંડ શૂન્યમાં જેને સમાધિ જી,
તે આરૂઢ છે વૃત્તિવાળા યોગી હાં...
જી રે લાખા અક્ષરાતીત પૂરણ બ્રહ્મ પોતે જી,
નિર્ગુણ નિરાલંબ નિર્વિકારી હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેને ભેટ્યા અહંપદ નિવારી હાં...


0 comments


Leave comment