1.6.9 - સ્વરૂપમાં ચિત્ત જોડો / સતી લોયણ


જી રે લાખા જગત એવી વસ્તુ નથી ત્રણે કાળે જી,
એ તો અજ્ઞાને કરીને ભાસે રે હાં...
જી રે લાખા સંત સુહાગી જેને પૂરા મળિયા જી,
એ તો કેવળ બ્રહ્મરસમાં રાચે હાં...

જી રે લાખા નરનારીને રામરૂપે જુએ છે જી,
એને બીજું દૃષ્ટિમાં નવ આવે હાં...
જી રે લાખા જાતિ, ભાતિ, વર્ણાશ્રમ સર્વે જી,
એને એકે ઉરમાં નવ આવે હાં...

જી રે લાખા પરોક્ષ-અપરોક્ષનો ભેદ મટ્યો જી,
એ તો નિર્ગુંણ નિરાલંબ યોગી હાં...
જી રે લાખા જીવન-મુક્ત દશા છે મોટી જી,
એ અનુભવ-રસના ભોગી હાં...

જી રે લાખા આઠે પહોર જેને ધૂન લાગી જી,
એને રંગ સવાયો ચડશે હાં...
જી રે લાખા બ્રહ્માકાર સર્વ જગ ભાસે જી,
એ તો અકર્તા માંહે ભળશે હાં...

જી રે લાખા અગમ અખંડ અવિનાશી જી,
જેને ગુરુની સાનથી જોવું હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેણે સ્વરૂપમાં ચિત્તને પરોવું હાં...


0 comments


Leave comment