1.6.10 - વિદેહ-મુક્ત દશા / સતી લોયણ


જી રે લાખા પોતપોતામાં વિલસી રહ્યો છે જી,
એની નજરે બીજુ કોઈ ના’વે હાં...
જી રે લાખા જન્મમરણની બેડી એની તોડી જી,
એ તો વિદેહ-મુક્ત કહાવે હાં...

જી રે લાખા સળંગ સુરતાએ આત્માને ભાળે જી,
એ તો બોલાવે ને વળી બોલે હાં...
જી રે લાખા સત્ય વસ્તુમાં જેણે ધ્યાન કરી જોયું જી,
એના અંતરપડદા ખોલે હાં...

જી રે લાખા ભેદ ને ભ્રમણાનો અંત જ આવ્યો જી,
એવા અગમ - નિવાસી - અભ્યાસી હાં...
જી રે લાખા પરિપૂર્ણ પદ જેણે જોયું તપાસી જી,
તેણે તોડી પ્રપંચની ફાંસી હાં...

જી રે લાખા આઠે જામ અડગ વૃત્તિ રાખે જી,
એ તો કેવળ બ્રહ્મ - ઉપાસી હાં...
જી રે લાખા જ્યારે જગત મટેલું ભાસે જી,
એ તો કાયમ રહે છે હુલાસી હાં...

જી રે લાખા જ્ઞાન - વિજ્ઞાને જેનું ચિત્ત ગળિયું જી,
તો નખશિખ પૂરણ પ્રકાશી હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
જેની સુરતા અગમ - ઘર લાગી હાં...


0 comments


Leave comment