24 - ચાલ / પન્ના નાયક
પ્રભાતની ઘેરી નીંદરમાં
ઊઘડતી ઉષા જેવો તારો શબ્દ સાંભળ્યો
“ચાલ”
ને
હું તો ચાલી નીકળી સરતી સરતી
તારા હાથના હલેસામાં શ્રદ્ધા રાખી.
તું લઈ ગયો એવા પ્રદેશમાં
જ્યાં ચમેલી ને પતંગિયું
વિશ્રંભકથા કરતાં'તાં
ને એમની છાની વાતો સાંભળવા
તાજા જ ઊગેલા ઘાસની બિછાત પર
તારાઓની ઠઠ જામી'તી.
મેંય હળવેથી ઊંચા થઈ કાન દીધો
ને સઘળી રક્તશિરાઓમાં ફરી વળ્યો તારો જ ગુંજતો સ્વર.
પછી બધું શાંત—
માત્ર ચાર પગલાંનું
ચાલ્યા જ કરવું
અંત વિનાના કોઈ રસ્તે!
0 comments
Leave comment