1.6.11 - બ્રહ્મનિષ્ઠ યોગી / સતી લોયણ


જી રે લાખા અખંડ બ્રહ્માંડમાં પોતે રમે છે,
એ આવરણ - રહિત વૈરાગી હાં...
જી રે લાખા સદ્ગુરુ કને જેણે અભ્યાસ કીધો જી,
તેની સુરતા શૂન્યમાં લાગી હાં....

જી રે લાખા ખટ-દર્શનના પાખંડમાં ભળે નહિ જી,
તેને કહીએ જીવનમુક્ત યોગી હાં.
જી રે લાખા સાતમી ભોમકા પરિપક્વ અવસ્થા જી,
તેને કહીએ કૈવલ્યપદ - ભોગી હાં...

જી રે લાખા ભેદ ભ્રમણા ને ભ્રાંતિ કહાવે જી,
ત્યારે એ આવરણ થાયે ખોટાં હાં...
જી રે લાખા કર્મ-ધર્મમાં પછી નવ ભટકે જી,
જેને અખંડ લાગી સમાધિ હાં...

જી રે લાખા ખટચક્ર ને બંકનાળને ભેદી જી,
એણે સાધના સર્વે સાધી હાં...
જી રે લાખા ગુરુમાં બે વાતે ભેદ ગણાયે જી,
બ્રહ્મશ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ કહાવે હાં...

જી રે લાખા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે યોગી જી,
કેવળ શ્રોત્રિય નરકગામી કહાવે હાં...
જી રે લાખા બ્રહ્મનિષ્ઠ-ચરણે કોઈ જાયે જી,
તેને અખંડ સમાધિ બતાવે હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો ફરીથી ચોરાશી ના’વે હાં..


0 comments


Leave comment