1.6.12 - અનાદિ યોગી / સતી લોયણ


જી રે લાખા ત્રિગુણ-રહિત નર નિરંતર ખેલે જી,
એ તો આપે અનાદિ યોગી હાં...
જી રે લાખા દ્વૈત પ્રપંચનો તેને પાર જ આણ્યો જી,
એ તો બ્રહ્મરસના છે ભોગી હાં...

જી રે લાખા ઉપરથી ચેષ્ટા જગતની કરે છે જી,
ભીતરથી વ્યવહાર બહારા હાં...
જી રે લાખા સંશય ને શોકનો લેશ નવ લાગે જી,
એ તો અગમ અનામી બાવન બહાર હાં...

જી રે લાખા નામ રૂપ આદિ ભેદો છે બધા જી,
તે બ્રહ્મવેત્તાને નવ અટકાવે હાં....
જી રે લાખા અમરપદમાં જેની સુરતા બંધાણી જી,
તેને ભ્રમણા અંતર નવ આવે હાં....

જી રે લાખા આત્મા સભર ભર્યો છે પરિપૂર્ણ જી,
એનો લક્ષ્યાર્થ ભાવ લીધો હાં...
જી રે લાખા સદ્ગુરુ પરિપૂરણ બ્રહ્મ ભેટ્યા જી,
તેણે યથારથે ઉપદેશ કીધો હાં...

જી રે લાખા હાણ-લાભનો ભેદ મટ્યો છે જી,
એને પૂરા યોગી કહીએ હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આપણે એ પદ પરથી વહીએ હાં...


0 comments


Leave comment