26 - બેડરૂમની અંદર અને બહાર / પન્ના નાયક


અરધી ઊંઘ
અરધું સ્વપ્ન
પહોળી પહોળી પથારી
ફ્લાવરવાઝનાં ન બદલાયેલાં ફૂલ
અને અરીસા
કેવા ચોખ્ખા ચકચકિત દાંતથી હસી રહ્યા!
પૂરેપૂરા પડદાને ફેલાવી
બારીને તો મૂંગી કરી,
આજની જ ધોવાયેલી ધવલ ચાદર
ધોવાયેલા અતીતની કથા કહે ત્યાં જ
રણકતો ફોન—
અને
પહોંચું ત્યાં જ મૌન.
– ઓશીકા પર એક બે આંસુ
આટઆટલું છે રૂ
તોય પી ના શકે એને.
સવારે ઊઠું છું
બગીચામાં જોઉં તો
સૂર્ય સામે હજી એ જ બે લાલ ગુલાબ
એનાં એ જ ઝૂલી રહ્યાં!


0 comments


Leave comment