1.6.13 - ખરા યોગી / સતી લોયણ


જી રે લાખા ખરા યોગી તો તેને જ કહીએ જી,
આહાર-વિહાર જુગતે ચલાવે હાં...
જી રે લાખા આઠે પહોર તે રહે અભ્યાસે જી,
બીજી વાત નજરે નવ આવે હાં...

જી રે લાખા લાખા રાજસી તામસી આહારને ત્યાગે જી,
એ અભ્યાસીને સુલભ કહાવે હાં...
જી રે લાખા બ્રહ્મચર્ય પાળી સાત્વિકપણું રાખે જી,
તેને ગુરુજી ક્રિયા બતાવે હાં...

જી રે લાખા ત્રણ પ્રકારના આહાર બતાવ્યા જી,
તેમાં સાત્વિક આહાર છે મોટો હાં....
જી રે લાખા રાજસી તામસી આહાર કરે છે જી,
એ તો યોગાભ્યાસમાં ખોટો હાં...

જી રે લાખા યોગમાં ચિત્તવૃત્તિને લગાડો જી,
તો સાત્વિક આહાર જ કરજો હાં...
જી રે લાખા અમર, અલખને પામવા માટે જી,
તો મારું વચન ઉર ધરજો હાં...

જી રે લાખા યોગની ક્રિયા મેં જે બતાવી જી,
તે સર્વે કહી છે સાચી હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમારા હૃદયે સ્થિર કરીને સ્થાપી હાં...


0 comments


Leave comment