1.6.17 - અધિકારીની દશા / સતી લોયણ


જી રે લાખા વાસણ છોટા ને વસ્તુ છે બહુ મોટી જી.
એ તો અધિકારીના ઉરમાં ઠરાયે હાં....
જી રે લાખા માટે તમે બહુ ધીરજ રાખો જી,
નહિ તો વસ્તુ અકરથ જાશે હાં...

જી રે લાખા ગુપ્ત સ્થળે રહી ભજન જ કરવું જી,
કોઈની આગળ નવ ઉચ્ચારવું હાં...
જી રે લાખા ગુપ્ત વાત ને ગુપ્ત આ ભજન જી,
કોઈ નવ જાણે એમ કરવું હાં...

જી રે લાખા હરિને મળવું હોય તો દંભ ન કરવો જી,
ખાસ એકાંતમાં રહેવું હાં...
જી રે લાખા જગતના જીવ સાથે બહુ વાત ન કરવી જી,
મૌનપણે સદા રહેવું હાં...

જી રે લાખા એવી રહેણીમાં હમેશાં રહેવું જી,
ખપ પૂરતું વચન ઉચ્ચરવું હાં..
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એમ ગુણ - ગ્રહણ કરવું હાં....


0 comments


Leave comment