1.6.18 - મોહને મૂળથી ટાળો / સતી લોયણ


જી રે લાખા આનંદ ઇચ્છો તો હરખ-શોક ટાળો જી,
પછી અખંડ આનંદમાં આવો હાં...
જી રે લાખા ધ્યાન ગુરુનું પ્રથમ ઘરોને જી,
તમે નુરત - સુરતને ઠરાવો હાં...

જી રે લાખા ખટસહસ્ત્ર બંકનાડી ભેદીને જી,
તમે શૂન્યમાં વૃત્તિ ઠેરાવો હાં...
જી રે લાખા અગમ ઘરની તમે કરો ઓળખાણું જી,
દ્રષ્ટા પ્રપંચને મિથ્યા ઠરાવો હાં...

જી રે લાખા સાતમી ભૂમિકાને ઝીણીઝીણી શેરી જી,
તેને તુરત સુરતે નિહાળો હાં...
જી રે લાખા મૂળ માયા તે ત્યાં પણ ન મળે જી,
ગુરુગમ થકી એ ઘર ભાળો હાં...

જી રે લાખા તન-મન-વચન બદલાઈ જાશે જી,
ઠીક ઠેકાણું ઉરમાં ન્યાળો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે મોહને મૂળથી ટાળો હાં...


0 comments


Leave comment