1.6.19 - મનનાં આવરણ દૂર કરો / સતી લોયણ


જી રે લાખા હેતે આવો ને સદા મન ભાવો જી,
તમે મનનાં આવરણ દૂર કરશો હાં...
જી રે લાખા બ્રહ્મવેત્તા ગુરુ આગળ જઈને જી,
પછી વચન વિનીત ઉચ્ચરશો હાં...

જી રે લાખા અજ્ઞાન મેલી તમે જ્ઞાન ગ્રહોને જી,
તમે ધ્યાન નિરંતર ધરશો હાં...
જી રે લાખા પાત્ર-કુપાત્રનો વિવેક કરીને જી,
તમે હરિના વિમુખ થકી ડરશો હાં...

જી રે લાખા નુરત-સુરત જે નર પૂરા જી,
તેના બોલ હૃદયમાં ધરશો હાં...
જી રે લાખા અડગ મન જેનું કોઈ દિ’ ડગે ના જી,
એવાનો સંગ તમે કરશો હાં...

જી રે લાખા નિજ-નામની તમે કરો ઓળખાણો જી,
નિજ તાપ રે ત્રિવિધિના ટળશે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો એ બ્રહ્મમાં ભળશે. હાં...


0 comments


Leave comment