31 - મારા ઘર સામે / પન્ના નાયક


સિમેન્ટની સડક બનીને
ભૂતકાળ
ઊભો છે મારા ઘર સામે.
રોજ
એના પર ચાલી આવે છે
સ્મરણોની વણજાર.
ભીનાં ભીનાં પગલાં પડે છે
જરા વાર નીરખી રહું ત્યાં તો
પડેલાં પગલાં પર બીજાં પગલાં પડે છે
નવાંજૂનાં પગલાં એકમેકમાં ભળી જઈ ગૂંથાય છે
ને મને ગૂંચવી નાંખે છે.

હું ક્યાંય સુધી
આ પગલાંને તારવ્યાં કરવાની
રમત રમું છું,
છેવટે
કોઈ જૂનુંપુરાણું દર્દ ઉપડી આવે એમ
એક ચિરંજીવ છાપ હાથમાં રહી જાય છે

ત્યાં તો એ
પતંગિયાંની પાંખમાં રંગ બનીને
થઈ જાય છે અદૃશ્ય....
ફરી પાછી અટવાઈ જાઉં છું....
પગલાં.... પગલાં.... પગલાં
ને રસ્તો એટલે રસ્તો.


0 comments


Leave comment