32 - દૃષ્ટિ / પન્ના નાયક
બંધિયાર ઓરડાની બારીના કાચમાં કેટલીય અદૃશ્ય તડ પાડી
મારી ભાગી છૂટી દૃષ્ટિ.
ગ્રીષ્મ વીતી જતાં
ગુલમોરની
ધૂંધવાતી, લબકારતી
જ્વાળાઓની મધ્યમાં
જાણી જોઈને ભરાઈ બેઠી
મારી દૃષ્ટિ.
વૃક્ષના કિલ્લોલતા આકાશ નીચે
સ્તબ્ધ હવામાં
શ્વાસ લેતું પ્રાણી
મૂંઝાય ઘણું –
ત્યારે વાંસામાં વહાલ કરવા હાથ ફેરવતી
મારી દૃષ્ટિ.
વેગબંધ ધસી જતી મોટરોની અવરજવરથી
નિર્જન રસ્તે
આઘીપાછી થઈ જતી ધૂળને
ધીમા વાયરાની કોમળ આંગળીએ
પૂર્વ-સંગતિમાં મૂકવાનો પ્રયત્ન કરતી
મારી દૃષ્ટિ.
વિભિન્ન વિહંગોના માળા સમાં
થોકથોક વાદળોમાં રમતી
અંતે
આખા આકાશમાં પથરાઈ ગઈ
મારી દૃષ્ટિ.
0 comments
Leave comment