1.6.22 - વૈરાગીનાં લક્ષણ / સતી લોયણ


જી રે લાખા અધ્યાત્મજ્ઞાનનો અટપટો ખેલ જી,
એને જાણે યોગી વિરલા રે હાં...
જી રે લાખા ગુરુપદમાં ચિત્ત જેણે કાયમ રાખ્યું જી,
એ તો આ પદ ઉરમાં આણે હાં...

જી રે લાખા વિષયવાસના ઊડી ગઈ જેની જી,
એ તો જાહેર થઈને ઝૂઝે હાં...
જી રે લાખા અગમ ઘરની કરે ઓળખાણ જી,
વળી ગુરુના પદને પૂજે હાં...

જી રે લાખા દશ લક્ષણ વૈરાગ્યના ઉરમાં આવે જી,
ત્યારે થાય યોગના અધિકારી હાં...
જી રે લાખા દશમાંથી હોય જો એકની ખામી જી ,
તો જીતી બાજી જાય હારી હાં..

જી રે લાખા પ્રથમ લક્ષણ વિપયભોગ ત્યાગો જી,
બીજુ ચાલો વચન પ્રમાણે હાં...
જી રે લાખા ત્રીજુ ચૌદ લોકને તૃણ સમ જાણો જી,
ચોથું વૈભવ સુખ ઉરમાં નવ આવે હાં...

જી રે લાખા પાંચમુ પક્ષાપક્ષી નવ રાખો જી,
છઠ્ઠું ઇંદ્રિયજિત કહાવે હાં...
જી રે લાખા સાતમુ અડોલ ડોલે નહીં જી,
ભલે ઇન્દ્રની રંભા લલચાવે હાં...

જી રે લાખા આઠમું લક્ષણ ધીરજ જેના ઉરમાં જી,
નવમે દયા હૃદયમાં ધરીએ હાં...
જી રે લાખા દશમું લક્ષણ સમદર્શી પૂરા જી,
તેને ખરા વૈરાગી કહીએ હાં...

જી રે લાખા દશ લક્ષણ જેના ઉરમાં વસે છે જી,
તેને કહીએ મોક્ષના અધિકારી હાં...
જી રે લાખા શેલર્ષીની ચલી સતી લોયણ બોલ્યાં જી,
જેણે અહંભાવ નાખ્યો વિદારી હાં...


0 comments


Leave comment