1.6.23 - યોગની ક્રિયા / સતી લોયણ


જી રે લાખા મન શુદ્ધ કરી તમે વચને ચાલો જી,
તમે પાળોને સાચી રે’ણી હાં...
જી રે લાખા વાદવિવાદ નહીં એ ઘરમાં જી,
તમે કેવા ન શીખો, ન કરી કહેણી હાં....

જી રે લાખા એક યોગ તેની બાર છે ક્રિયા જી,
તમે એકચિત્તે સાંભળજો હાં...
જી રે લાખા આ રે વાણી ક્યાંય નથી કહ્યા જેવી જી,
તમે જ્ઞાન-હિમાળે ગાળજો હાં...

જી રે લાખા પહેલી ક્રિયા ગુરુ વચન છે જી,
એવી બીજી ક્રિયા તેને જાણો હાં....
જી રે લાખા ત્રીજી ક્રિયા બ્રહ્મચર્ય પાળો જી,
ચોથી ક્રિયા અમીરસ ચાખો હાં...

જી રે લાખા પાંચમી ક્રિયા તમે ઇન્દ્રિયોને જીતો જી
છઠ્ઠી ક્રિયા પવન સ્થંભાવો હાં.....
જી રે લાખા સાતમી ક્રિયા તમે મનને જીતો જી,
આઠમી ક્રિયા વાણી નિયમમાં લાવો હાં.....

જી રે લાખા નવમી ક્રિયા તમે સુરતાને સાધો જી,
દશમી ક્રિયા મૂળને બાંધો હાં.....
જી રે લાખા અગિયારમી ચંદ્ર-સૂરજને જાણો જી,
બારમી પ્રેમને જગાડો હાં.....

જી રે લાખા એવી કિયા જ્યારે ગુરુજી બતાવે જી,
ત્યારે ફરી ચોરાશીમાં ના’વે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે ભવના ફેરા ભાંગો હાં...


0 comments


Leave comment