35 - આમ તો હું ઘરમાં છું / પન્ના નાયક


આમ તો હું ઘરમાં છું
છતાં ઢીંગલીઘરની એકાદ ઢીંગલી
હું કેટલાંનું રમવાનું રમકડું !

સંબંધીઓ આવીને વાત કરવા વીનવે છે.
હું મોં ખોલું છું
પણ થીજેલા શબ્દો બહાર આવી શકતા નથી.
ન ઓગળે એવોય બરફ બને છે ખરો !

મારા સ્વામી મને શો-કેઈસમાંથી
સોફા પર બેસાડે છે
પંપાળે છે
કહે છે : આ તો હમણાંની જ બીમારી છે –
માત્ર બોલી શકતી નથી, પહેલાં તો બોલતી’તી જ ને !
હું સૂનમૂન જોયા-સાંભળ્યા કરું છું
(અન્યને શું ખબર આવાય અબોલા હોય !)

બહુ જ બોલકી મારી દીકરી આવીને
પ્લાસ્ટિકની શીશીમાંથી મને દૂધ પિવડાવે છે
"તું જ મારી ખરી બેબી છે" બોલે છે.
એની ચમકારા મારતી આંખોની આરસીમાં
મારાથી જોવાઈ જાય છે
ને હું બેબાકળી
સારી પડું છું – તોય અવાજ થતો નથી
હું ફસડાઈ પડું છું ફર્શ પર, એટલું જ નહીં
ક્યાંય અંદર અલોપ થઈ જાઉં છું
ચપોચપ ચોંટેલા મૌનનાં કઠણ ચોસલા ટાઈલ્સની તળે.


0 comments


Leave comment