1.6.24 - સપ્ત ભૂમિકા / સતી લોયણ


જી રે લાખા શ્રવણ, મનન, નિદિધ્યાસ કહીએ જી,
તેનું નામ મુમુક્ષુ કહાવે હાં...
જી રે લાખા ખટ સંપત્તિને યથારથ જાણે જી,
ત્યારે સાક્ષાત્કાર થઈ જાવે હાં...

જી રે લાખા સાત ભૂમિકા જ્ઞાનની કહું છું જી,
તેને યથારથ ચિત્તમાં લાવો હાં...
જી રે લાખા પહેલી ભૂમિકા શુભ તમે ઇચ્છો જી,
બીજી સુવિચારણા કહાવે રે હાં...

જી રે લાખા ત્રીજી ભૂમિકા તનુમાનસા કહીએ જી,
ચોથી સત્ત્વાપત્તિ ઉર આવે હાં...
જી રે લાખા પાંચમી ભૂમિકા પદાર્થ ભાવની જી,
છઠ્ઠી અસંશક્તિ કહાવે હાં...

જી રે લાખા સાતમી ભૂમિકા તુર્યાવસ્થા જી,
એ જ્ઞાનની ભૂમિકા કહાવે હાં...
જી રે લાખા એ ભૂમિકા ગુરુગમથી જાણો જી,
તો થાઓ પૂરા અધિકારી હાં...

જી રે લાખા જીવ-શિવ-ભેદ ત્યારે સમજાશે. જી,
અહંપદ જાય મનનું હારી હાં...
જી રે લાખા સ્વપ્નવત્ વૈભવ જગના જાણે જી,
તેની નજરમાં નવ આવે હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો અનામી આપે બની જાવે હાં...


0 comments


Leave comment