1.6.26 - આંતરક્રિયા / સતી લોયણ


જી રે લાખા કારણ ને કાર્યથી જગત બંધાણું જી,
એનું નામ છે મૂળ માયા રે હાં...
જી રે લાખા પંચ ભૂત ત્રિગુણી માયાથી પ્રગટ્યા જી,
જેની ચૌદ લોકમાં છાયાં રે હાં...

જી રે લાખા તમોગુણીથી આ સૃષ્ટિ રચાણી જી,
રજોગુણે દશ ઈંદ્રી દ્વારા રે હાં...
જી રે લાખા એ સર્વેથી નિગુણ બ્રહ્મ રમે છે ન્યારા જી,
તેને જાણે કો જાણનહારા રે હાં...

જી રે લાખા બહારની ક્રિયા મેં તમને બતાવી જી,
હવે અંતર-ક્રિયા કહી બતાવું રે હાં...
જી રે લાખા ભટકેલ મન છે ઘણાયે જન્મનું જી,
એને સ્થિર કરીને સ્થાપું રે હાં...

જી રે લાખા એક ધારણા ને બીજું ધ્યાન જી,
ત્રીજે સમાધિ કરાવે રે હાં....
જી રે લાખા ચોથી ક્રિયા અંતર્મુખ કહી છે જી,
એને જાણે વિરલા યોગી રે હાં....

જી રે લાખા ચારમાં હોય જો એકની ખામી જી,
ત્યાં લગી રહે વિષયભોગી રે હાં....
જી રે લાખા દ્વાદશ ક્રિયા એ ચારમાં સમાણી જી,
એ ચારને યથારથ જાણો રે હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
પછી બ્રહ્મનાં સુખને માણો રે હાં...


0 comments


Leave comment