1.6.27 - અગમની ઓળખાણ / સતી લોયણ


જી રે લાખા અંતર ટાળી નિરંતર રહે છે જી,
જેને શૂન્યમાં સુરતા બંધાણી હાં....
જી રે લાખા સદગુરુની સાન યથારથ જાણે જી,
તેણે અગમ તણી ગમ લીધી હાં....

જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી,
તેને સંત જ વિરલા જાણે હાં....
જી રે લાખા નિશ્ચયાત્મક નિર્ભેદી છે આત્મા જી,
તેને સર્વમાં સરખો પિછાણે હાં....

જી રે લાખા ગુરુગમ વિના જે વેદ પ્રમાણે જી,
એ નર દીઠા ઘણા અથડાતા જી,
જી રે લાખા શાસ્ત્રમાં ચક્રનો ભેદ કહ્યો છે જી,
એ ધર્મને ભીષ્મે બતાવ્યો હાં...

જી રે લાખા એવી વાત સહુ કો કહે છે જી,
કોઈ આપેથી પાર નવ પામ્યો હાં....
જી રે લાખા યોગમાર્ગમાં તો ખેલ અગમ છે જી,
તે ગુરુ વિના નવ આદરવો હાં...

જી રે લાખા શાસ્ત્રવેત્તાએ નિરૂપણ કર્યું છે જી,
તેને પ્રીછે કોઈક પૂરા રે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
કોઈ જાણે સદ્ગુરુના શૂરા હાં...


0 comments


Leave comment