1.6.29 - આત્મજ્ઞાન / સતી લોયણ


જી રે લાખા જ્ઞાની થઈને તું આત્માને ઓળખ જી,
જેથી જન્મમરણરોગ જાયે હાં...
જી રે લાખા આત્મજ્ઞાન માટે મારગ બે છે જી,
એક જ્ઞાન ને યોગ કહેવાય હાં...

જી રે લાખા દેહના શોધને કરી જ્ઞાન મળે છે જી,
એ તો પૂરા હોય તે પામે હાં...
જી રે લાખા જ્ઞાનનાં સાધન તું સાધી લેજે જી,
તેથી મોક્ષને ઝટપટ પામે હાં...

જી રે લાખા જ્ઞાન મેળવવાનો છે અધિકાર જી ,
તેથી સાધન આવી મળશે હાં...
જી રે લાખા પ્રથમ વિવેક બીજો વિરાગ છે જી,
ત્રીજી શમ આદિ ષટ સંપત્તિ કરશે હાં....

જી રે લાખા ચોથું પગથિયું મુમુક્ષતા કહીએ જી ,
એમ જ્ઞાન પગથિયે ચઢશે હાં...
જી રે લાખા નિત્ય-અનિત્યનો વિવેક કરી લે જી ,
બીજે ભોગ બધાએ ટળશે હાં...

જી રે લાખા શમ, દમ, શ્રદ્ધા, સમાધાન કરી લે જી,
ઉપશમ, તિતિક્ષા તેમાં ભળશે હાં....
જી રે લાખા એ છે સંપત્તિ ત્રીજું પગથિયું જી,
ચોથે મોક્ષ-ઇચ્છા ઊઘડશે હાં.....

જી રે લાખા મોક્ષ-ઇચ્છાવાળાને એ સાધન જી,
ચારે સાધન કરે ભાવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો જ્ઞાનમાં આવરણ ના’વે હાં...


0 comments


Leave comment