1.6.30 - આત્માનું સ્વરૂપ / સતી લોયણ


જી રે લોયણ અખંડ અભેદ તમે આત્મા કહો છો જી,
તેને જીવબુદ્ધિ કેમ કરી આવે હાં ?....
જી રે લોયણ અવિદ્યા માયા જડ છે પ્રપંચી જી,
તો તે આત્માને કેમ ભરમાવે હાં.... ?

જી રે લોયણ તમે કહો છો કે આત્મા એક છે જી,
તો જ્ઞાની અજ્ઞાની કેમ કહાવે હાં... ?
જી રે લોયણ આસુરી દૈવી એ નિશ્ચય કેમ થાયે જી,
એમાં સંદેહ મુજને આવે હાં...

જી રે લાખા જીવપણું જેણે મન થકી માન્યું જી,
એ અજ્ઞાની જન કહાવે હાં...
જી રે લાખા જડ, પ્રપંચી, અવિદ્યાએ માયા જી,
એ કેવળ મનને ભમાવે રે હાં...

જી રે લાખા જેમ રજજુમાં કો સર્પ ભાળે જી,
પણ વસ્તુતાએ સર્પ ન કહાવે હાં...
જી રે લાખા એમ મનને અજ્ઞાને કરીને જી,
હું જીવ છું એમ જાણ્યામાં આવે હાં...

જી રે લાખા આાત્મા અભેદ સનાતન કહીએ જી,
એને માયા બાધક નવ થાયે હાં....
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ ભેદને કોઈ પૂરા યોગી પામે હાં.....


0 comments


Leave comment