1.6.31 - આત્માનું રૂપ / સતી લોયણ


જી રે લાખા અસ્તિ ભ્રાંતિ પ્રિયરૂપ આત્મા જી,
એને સભર ભર્યો મેં ભાળ્યો હાં...
જી રે લાખા સદ્ગુરુના વચનરૂપી દોર પકડીને જી,
મોહરૂપી શત્રુને મેં બાળ્યો હાં...

જી રે લાખા સૂત્રમાં જેમ મણિ રમી રહ્યો જી,
તેમ આત્મા સઘળે રમે છે હાં...
જી રે લાખા પિંડ બ્રહ્માંડે પરિપૂરણ પોતે જી,
પણ વસ્તુમાં મનડું ભમ્યું છે હાં...

જી રે લાખા મન ટળ્યું ત્યારે અમન છે પોતે જી,
તેની વૃત્તિ મળી ગઈ પદમાં હાં...
જી રે લાખા જીવ-ઈશ્વરની ગ્રંથિ જાય છૂટી જી,
ત્યારે અકર્તાનું પદ ભાળ્યું હાં...

જી રે લાખા ચિદાભાસ પદ અધ્યાત્મ પોતે જી,
આકાશવત્ છે અવિનાશી હાં...
જી રે લાખા એ સોનું તેના ઘાટ અનેક છે જી,
પણ સત્ય સોનું વસ્તુ સાચી હાં....

જી રે લાખા તેમ આ પૂતળાં અનેક બન્યાં જી ,
એ તો ઊપજે ન અલોપાયે હાં....
જી રે લાખા તેનો અટકળ નવ મળે સ્વરૂપમા જી;
અનુભવીને અટકળ આવે હાં

જી રે લાખા કૃષ્ણમાં પોતે, પોતાનામાં છે કૃષ્ણ જી,
એવું જાણે અધ્યાત્મ યોગી હાં.....
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ વિષયરસના નહીં ભોગી હાં...


0 comments


Leave comment