1.6.32 - આત્માને ભાળો / સતી લોયણ


જી રે લાખા એકાંત વિના કદી પ્રેમ નવ જાગે જી,
પ્રેમ જાગ્યા વિના સર્વે ખોટું હાં...
જી રે લાખા ત્યાગની યોગની યુક્તિ જડે નહીં જી,
તેમાં ગુરુગમ કારણ મોટું હાં...

જી રે લાખા કપટ કાઢ્યા વિના પ્રેમ ન જાગે જી,
ત્યાં લગી માયા નવ ભાગે હાં....
જી રે લાખા નાભિકમળથી પ્રાણ ઉલટાવો જી,
સત્ગુરુની શિખામણ લાગે હાં....

જી રે લાખા વાદળની ઢાંકે સૂરજ કળાય નહિ જી,
તેમ આત્માને ભાળવા ન દે માયા હાં.....
જી રે લાખા પ્રાણચક્રેથી તરત પ્રેમ જાગે જી,
એ વચનની છે બધી છાયા હાં....

જી રે લાખા પ્રેમને જગાડવાનો એ છે ઉપાય જી,
સતગુરુ અઢળક દયા લાવે હાં....
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેથી તરત પ્રેમ ઉરમાં આવે હાં....


0 comments


Leave comment