1.6.33 - બ્રહ્મરસનું સ્વરૂપ / સતી લોયણ


જી રે લાખા બ્રહ્મરસને પૂરા યોગી જાણે જી,
એ તો અક્ષય સુખને માણે હાં...
જી રે લાખા અજર, અમર આત્મા અવિનાશી જી,
એ તો આપે અકર્તા જાણે હાં...

જી રે લાખા પરમ પદમાં જેની સુરતા લાગી જી,
એ અધ્યાત્મ યોગી છે પૂરા હાં...
જી રે લાખા, સતગુરુ દેશ જેણે સહજમાં જોયો જી,
ત્યાં નહિ જોત નહિ નૂરા રે હાં...

જી રે લાખા વેદ વેદાંતનો ભેદ મટ્યો છે જી,
બંધ મોક્ષ ત્યાં નજરે ના'વે હાં...
જી રે લાખા સમ્યકજ્ઞાન થયું છે પરમપદનું જી,
એ અચૈષ્ટ અદ્વૈત કહાવે હાં...

જી રે લાખા તત્ત્વજ્ઞાનથી મત તુર્યામાં ગાળે જી,
એ તો સાતમી ભૂમિકા ભાળે હાં...
જી રે લાખા તુર્યાતીત બ્રહ્મ અગ્નિ પ્રકટાવે જી,
કર્મરૂપી બીજ એમાં બાળે હાં...

જી રે લાખા ચાર વેદથી એ ભેદ છે ન્યારો જી,
તે ગુરુગમથી ઉરમાં આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
સત્ગુરુની સાનથી પાવે હાં...


0 comments


Leave comment