43 - અકળ ગતિ / પન્ના નાયક
મને ગમતી નથી
સભર વહેતી નદી
બારે માસ બે કાંઠા ભરી.
મને ગમે નદી
જેની અકળ ગતિ.
પારંપરિક કવિતાની જેમ
કદીક નિયત માર્ગે વહી
સલામતી આપતી અવલંબિત જીવોને.
કદીક બનતી ક્રાંતિકારી
માઝા મૂકી
વેરાનખેરાન કરતી આસપાસના પ્રદેશને
કદીક સૂકી રહેતી
ભરભર વર્ષાની ઝડીથી
પાતાળને પાઈ દઈ સકલ પાણી –
ત્યાં દૂર દૂર
સાગરની ખારી તરસોને ઘૂઘવતી રાખી
નદી તો નિજમાં વહ્યા કરે...
0 comments
Leave comment