44 - નિમંત્રણ અને પ્રવેશ / પન્ના નાયક


આખી રાતના ઉત્સવમાં જવાનું
મને નિમંત્રણ છે
આકાશના બધા તારકોને આંખમાં લાવી
મારી સામે તાકી તેણે કહ્યું હતું –
તારે – તારે આવવું જ પડશે !
એણે હથેલી દાબી હતી
અને મેં હા પાડી હતી.
દર્પણમાં સ્થિર થઈ ગયેલી મારી ડોક
નૃત્યની મુદ્રામાં સ્હેજ હલી ગઈ,
નૂપુરની એકેએક ઘૂઘરીએ રણકી રણકી હા પાડી હતી.
પર્વતની તળેટીની તળે સંતાડી રાખેલાં ચરણોએ
ઝરણાંનો કલ્લોલ કર્યો એટલે મેં કહ્યું :
હું નાચીશ, હું નાચીશ, હું નાચીશ –
રાત્રીના અંતિમ પ્રહર લગી –
કે જતાં જતાં તારકો પણ ટોળે વળી,
હાથ લંબાવી મને ઘેરી લે
મને ભીડી લે....
છેક સંધ્યાએ પૂરો થયો મારો શણગાર
યામિની ગાઢ થઈ જાય એ પહેલાં હું પહોંચી જાઉં એણે દ્વાર,
દૂર દૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતાં દીવા જોઉં છું
સાજિંદાના વાજિંત્રોની સ્વર-સરવાણી સાંભળું છું
પણ
એના ઘરનાં બારણામાં જ
પિંજરમાં ઝૂલતો, પિંજરને કબૂલતો પોપટ
‘કોઈ આવ્યું !’ ‘ કોઈ આવ્યું !’
બોલે છે ને હું પાછી ફરી જાઉં છું
કોણ આવ્યું હતું તે કોઈ જાણે એ પહેલાં !


0 comments


Leave comment