1.6.35 - અભેદ શૂન્ય / સતી લોયણ


જી રે લાખા ગાવે તેને બાવન ઉપનિષદજી,
એનાથી યોગી ન્યારા હાં...
જી રે લાખા બાર ત્યાગ લક્ષમાં ઉપનિપદ બતાવે જી,
બારે અકર્તાપદ નજરે આવે હાં....

જી રે લાખા એક અર્થ ને બીજા લક્ષાર્થ જી,
તેની પંડિત સાન નવ જાણે હાં...
જી રે લાખા વેદને બળે વાદવિવાદ કરે જી,
પણ સ્વરૂપનું સુખ નવ જાણે હાં...

જી રે લાખા ઘટ મધ્યે ત્રણ આકાશ છે જી,
તેનો ભેદ યોગી પ્રમાણે હાં...
જી રે લાખા પદ પદાર્થમાં વ્યાખ્યાન કરે પંડિત જી,
પણ બ્રહ્મપદ ઉરમાંથી આવે હાં...

જી રે લાખા સપ્ત પાતાળને તાંડવ શૂન્ય છે જી,
એ તો ભેદ અનુભવને આવે હાં...
જી રે લાખા સોળ શૂન્ય અભેદશૂન્ય કહીએ,
તેમાં અકર્તા આપ કહાવે હાં...

જી રે લાખા સતચિત્ત આનંદ અમર અરૂપી જી,
એ ઉજાગરામાં ધ્યાન આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો અમર પદને પાવે હાં...


0 comments


Leave comment