47 - ખુલ્લી બારી / પન્ના નાયક
હું તો ખુલ્લી બારી પાસે જ બેસીશ
છોને વરસતો વરસાદ મુશળધાર
ભીંજવતો મને –
કેટલે વખતે કેલેન્ડરનો આષાઢ ગગન ભરીને ઝળૂંબ્યો
કેટલો વખત કોરી રહી અને ફફડતી રહી બારીના પડદાની જેમ
આજે તો ભીંજાયા પછી ભારે –
છોને વરસતો વરસાદ મુશળધાર
ભીંજવતો મને ને
આ વ્યવસ્થિત ઓરડાનાં
પડદા, જાજમ અને ફર્નિચર
(અદભુત ઈન્ટિરિયર ડેકોરેશન !)
ફૂંકાવા દો પવનને પણ તીવ્ર ગતિથી
જાણે ઓરડામાં દોડતું કોઈ વન્ય પશુ
કેટલાં વર્ષે પ્રવેશ્યું,
હું તો બસ ખુશ છું
કાષ્ઠ જેવું હતું જે કોરું – જેમાં મૃત વૃક્ષોની તરસ
એ જ ભીંજાય છે
લથબથાય છે
પાણીનું મૂંગું ગીત ગાય છે –
ડોકાઈ શકાય એવી રાખી’તી
એક બારી
ને એથી ભલેને આ
વ્યવસ્થિત ગોઠવણીમાં
વરસતો વરસાદ મુશળધાર
હું તો ખુલ્લી બારી....
મારી આંખમાં ઊગે છે
લીલાંછમ ઘાસનાં આકાશ.
0 comments
Leave comment